‘ડોન ૩’ વિવાદમાં મોટો યુ-ટર્ન: રણવીર સિંહ સામેનો આદેશ FWICE એ પરત ખેંચ્યો, કાયદાકીય નોટિસ બાદ નમતું જોખ્યું
૪૫ કરોડના નુકસાનના આક્ષેપો વચ્ચે IMPAA અને પ્રોડ્યુસર્સ ગિલ્ડની મધ્યસ્થતા સફળ; સંસ્થાએ કહ્યું– “અમે વિવાદ ઈન્ડસ્ટ્રીના હિતમાં ઉકેલ્યો”
બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) વચ્ચે ‘ડોન ૩’ ફિલ્મને લઈને ચાલી રહેલા ગજગ્રાહમાં એક બહુ મોટો વળાંક આવ્યો છે. અભિનેતા રણવીર સિંહ દ્વારા મોકલવામાં આવેલી કડક લીગલ નોટિસ બાદ, FWICE એ નમતું જોખીને તેની વિરુદ્ધ જાહેર કરેલો ‘નોન-કોઓપરેશન’ (અસહકાર)નો આદેશ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. ઈન્ડસ્ટ્રીની ટોચની સંસ્થાઓ જેવી કે IMPAA, પ્રોડ્યુસર્સ ગિલ્ડ અને CINTAAની મધ્યસ્થતા બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે રણવીરની લીગલ નોટિસનો જવાબ કાયદાકીય રીતે જ આપવામાં આવશે.
આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ૪૦ દિવસમાં રમાશે ૧૨ મેચ, જૂનો બદલો લેવા ટીમ ઇન્ડિયા કમર કસશે
શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ચર્ચિત ફિલ્મ ‘ડોન ૩’ માંથી રણવીર સિંહના અચાનક બહાર નીકળવાને કારણે થઈ હતી. ફિલ્મના મેકર્સ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની પ્રોડક્શન કંપની ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ દ્વારા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પ્રોડક્શન હાઉસનો દાવો હતો કે રણવીરના કારણે સેટ ડિઝાઇનિંગ, લોકેશન બુકિંગ અને પ્રિ-પ્રોડક્શન પાછળ અંદાજે ₹૪૫ કરોડથી વધુનો ખર્ચ વેડફાઈ ગયો છે. આ ફરિયાદને આધારે ગત ૨૫ મેના રોજ FWICE દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો આદેશ જાહેર કરાયો હતો.
FWICEના પ્રમુખ બી.એન. તિવારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, IMPAA અને પ્રોડ્યુસર્સ ગિલ્ડ સાથેની ચર્ચા બાદ એવો નિર્ણય લેવાયો છે જેમાં પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ કે એક્ટર કોઈને પણ નુકસાન ન થાય. તેમણે ઉમેર્યું: “અમે કોઈની હાર કે જીત માટે નહીં, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધાત્મક આદેશ પાછો ખેંચ્યો છે.”
રણવીર સિંહનો પક્ષ: ગરિમા અને મૌન
સમગ્ર વિવાદ દરમિયાન મૌન જાળવનાર રણવીર સિંહના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અભિનેતા હંમેશા ઈન્ડસ્ટ્રી અને તેની સાથે જોડાયેલા લોકો પ્રત્યે આદર ધરાવે છે. વ્યાવસાયિક ચર્ચાઓ અને વ્યક્તિગત સંબંધોને પરસ્પર ગરિમા સાથે જ હેન્ડલ કરવા જોઈએ, તેથી જ રણવીરે કાયદાકીય માર્ગ અપનાવ્યો હતો.
સમાધાનના પ્રયાસો નિષ્ફળ અને ફરહાનનું સૂચક નિવેદન
આ અગાઉ ‘પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા’ દ્વારા ફરહાન અખ્તર અને રણવીર વચ્ચે પેચ-અપ કરાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન ડિરેક્ટર ફરહાન અખ્તરે એક ઇન્ટરવ્યુમાં પોતાની નિરાશા છતી કરતા જણાવ્યું હતું કે, *”છેલ્લા થોડા વર્ષોમાં ઘણું બદલાયું છે. તમારે હંમેશા અણધારી આફતો માટે તૈયાર રહેવું પડે છે. જ્યાં સુધી ફિલ્મ કેમેરા પર શૂટ ન થઈ જાય, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ફાઈનલ માની શકાય નહીં.”
